“ઉધારી જિન્દગી”

ઉધારી જિન્દગી

 

મોત પાસેથી મળેલી છે ઉધારી જિન્દગી;

આપનારાની ઘડેલી છે ઉધારી જિન્દગી.

 

સદનશીબી બદનશીબી ના કશી ચર્ચા કરો;

લાગણી આંસુ ભરેલી છે ઉધારી જિન્દગી.

 

મન તણાં કારણ બધા છે ને નજરનો ખેલ છે;

માનવે ઢાળી ઢળેલી છે ઉધારી જિન્દગી.

 

ઝાંઝવાના જળ સમાણી ઝંખના જાગે સદા;

પામતા ઓછી પડેલી છે ઉધારી જિન્દગી.

 

કોઇને ફૂલો સમી તો કોઇને કાંટા સમી;

ભાગમાં આવી પડેલી છે ઉધારી જિન્દગી.

 

આયખું માગેધુફારીકેટલું ઓછુંવધુ;

હાથમાં સરતી રહેલી છે ઉધારી જિન્દગી.

 

૧૨/૧૦/૧૯૯૪

“સંગાથમાં”

સંગાથમાં

 

ચાર ડગલા ચલજો સંગાથમાં;

બે ઘડી બસ ચાલજો સંગાથમાં.

 

જિન્દગી કેવી જશે કોને ખબર?

યાદ થઇ બસ ચાલજો સંગાથમાં.

 

ફૂલ કે કાંટા મળે પરવા નથી;

મ્હેક થઇ બસ ચાલજો સંગાથમાં.

 

છે હ્રદય એક પરવાના સમું;

થઇ શમા બસ ચાલજો સંગાથમાં.

 

ધુફારીમાંગશે તો કેટલું?

જિન્દગી થઇ બસ ચાલજો સંગાથમાં.

 

૨૬/૦૯/૧૯૯૪ 

“કોણે કહ્યું?”

કોણે કહ્યું?

 

પ્રેમમાં પડજે તને કોણે કહ્યું?

ખાઇમાં પડજે તને કોણે કહ્યું?

 

છે લલાટે લેખના નિર્માણ ;

ને છતાં રડજે તને કોણે કહ્યું?

 

દર્દના દરિયા મહીં ડૂબ્યા પછી;

આમ તરફડજે તને કોણે કહ્યું?

 

ખેલ છે ખાંડા તણા જાણ્યા પછી;

ધાર પર ચડ્જે તને કોણે કહ્યું?

 

ના કદી મૃગજળ ભરાયા પાત્રમાં;

આમ ટળવળજે તને કોણે કહ્યું?

 

ઝેર તો જાણીધુફારીના પીએ;

ફાંસીએ ચડજે તને કોણે કહ્યું?

 

૨૫/૦૯/૧૯૯૪

“ના જશો”

ના જશો

 

આંખમાં આંસુ ભરીને ના જશો;

આહ! દર્દીલી ભરીને ના જશો.

 

રાત અજવાળી પવન શીતળ મહીં;

દર્દ દાવાનળ ભરીને ના જશો.

 

સત્ય કડવું પણ કહ્યે મીઠું થશે;

મૌનની માયા ભરીને ના જશો.

 

રાતભર મુંજાઇ મરશે મન બહુ;

મુંજવણથી મન ભરીને ના જશો.

 

દર્દનો દરિયોધુફારીપી ગયો;

અંજલી અમથી ભરીને ના જશો.

 

૧૮/૦૯/૧૯૯૪

“વેંચવાનું છે”

વેંચવાનું છે

 

ખરીદે જો હ્રદય કોઇ હવે વેંચવાનું છે;

નથી રહેતું હવે કોઇ હવે વેંચવાનું છે.

 

જરા જો જો તપાસી લો પછી ફરિયાદ ના કરતાં;

મરમ્મત ના થઇ કોઇ હવે વેંચવાનું છે.

 

ખરે છે ધૂળ ટીકાની નથી છત ધીરની કયાં પણ;

ભરેલી મુંજવણ જોઇ હવે વેંચવાનું છે.

 

નથી દિવાલ કોકોરી સમયના પોપડા ખરતાં;

ફરસ પર જખ્મના લોહી હવે વેંચવાનું છે.

 

ખરીદી કોઇ શું કરશે નથી ભાડેથી રહેનારૂં;

ધુફારીઆંખડી રોઇ હવે વેંચવાનુ છે.

 

૨૭/૦૮/૧૯૯૪

 

“ચાંદની ખિલ્યા કરે”

ચાંદની ખિલ્યા કરે

 

આજ તું આવી મળે ને ચાંદની ખિલ્યા કરે;

રેશ્મી ઝુલ્ફો મહીં અટવાઇ મન ઝુલ્યા કરે.

 

આજ જેવી કેટલીય રાત ઉગી આથમી;

રોજ દરવાજા ઉમીદોના બધા ખુલ્યા કરે.

 

વાટ જોતી આંખડી મિંચાય છે થાકી જઇ;

તે છતાં પણ રોજ થાકો બધા ભુલ્યા કરે.

 

આશકી તારી મળી છે યાદ કરતાં સતત;

ડોક પારેવા સમાણી રાતદી ફૂલ્યા કરે.

 

યાદની શબનમ સતત વરસી રહે છે રાતભર;

નેધુફારીપ્રીતના મોતી મહીં મુલ્યા કરે.

 

૧૪/૦૪/૧૯૯૪

“મળતી નથી”

મળતી નથી

 

મુક્તકો લખવા હતાં પણ મુક્તતા મળતી નથી;

ખુબ ખંખેરી છતાં પણ સુસ્તતા ટળતી નથી.

 

ક્યાં લઘુ ને ક્યાં ગુરૂ ગુંગળાવતા ભેગા થઇ;

અછાંદસ લખવા છતાં પણ કાવ્યતા મળતી નથી.

 

કલ્પના આકાશમાં કહેવાય છે કવિઓ વસે;

વિહરવા ચાહું છતાં પણ સફળતા મળતી નથી.

 

ચૌદમા અક્ષર સમાણો ધુફારીછે કવિ;

ખૂબ મંથન કરે પણ માન્યતા મળતી નથી.

 

૦૩/૦૩/૧૯૯૪