ભુલાવા લાગેલા આપણા છદશાસ્ત્ર તરફ એક અંગુલિનિર્દેશ.
આજ એ ફોર એપલનો જમાનો છે,દિવસા દિવસ ગુજરાતીનો એકડો નીકળતો જાય છે આજે એક વત્તા એક માટે પણ કેલક્યુલેટર વાપરનારા જુવાનોની એક જમાત ઊભી છે.એક જમાનો હતો જ્યારે એકડે એક થી ચાલીસ સુધી અને પા થી ઊઠા સુધી મોપાઠ શિખવાડવામાં આવતા જેથી સામાન્ય હિસાબ મોઢે કરી શકાતા.એ જમાનામાં આપણા મોટા ગજાના સાહિત્યકારોની અમરકૃતિઓ કવિતા તરિકે પાઠ્યપુસ્તકોમાં ચાલતી જેમાં વપરાયેલા છેંદોનું જ્ઞાન વર્ગ શિક્ષકોને રહેતું.પહેલાં કવિતા સ્વયં ગાતા અને ભાવર્થ સમજાવતા ત્યાર બાદ વિદ્યાર્થિ પાસેથી ગવાડાવી ગાતા શિખડાવતા.આજે ગુજરાતી પાઠ્યપુસ્તકોમાં એવું કંઇ દેખાય છે?
આજે કેટલાને શિખરિણી,અનુષ્ટુપ,વસંતતિલકા,મંદાક્રાંતા,માલિની,હરિણી,ચોપાઇ જેવા છંદ યાદ હશે એ હું નથી જાણતો પણ કેટલાક ઉદાહરણોથી અંગુલિનિર્દેશ કરવાનો પ્રયાસ માત્ર કરૂ છું.મારા આ લેખમાં ઘણા એવા કાવ્ય આવશે જે પ્રચલિત તો હશે પણ એ ક્યા છંદમાં લખાયલા છે એ લોકો નહિ જાણતા હોય.ગંધર્વ પુષ્પદંતે મદાંધ થઇને ભૂલથી શિવ નિર્માલ્ય(બિલીપત્ર)પર પગ મુકી દિધો ત્યારે શાપિત પુષ્પદંતે ભગવાન શિવને રીજવવા જે કાવ્યનું સર્જન કર્યુ તેને શિવ મહિમ્ન સ્તોત્ર કહેવાય છે.જેમાં તેણે શરૂઆતના શ્લોકથી ૨૯માં સુધી ના શ્લોક શિખરિણી છંદમાં રચેલ છે,શ્લોક ૩૦તથા ૩૧ હરિણી છંદમાં રચેલ છે.શ્લોક ૩૨ થી ૩૪ તથા ૩૭,૩૮,૪૩ માલિની છંદમાં રચેલ છે.શ્લોક ૩૫,૩૬,૩૯થી૪૧ અનુષ્ટુપ છંદમાં રચેલ છે.જ્યારે શ્લોક ૪૨ વસંતતિલકામાં રચેલ છે.શિવની આરાધના તરિકે નહિ પણ છંદના રસાસ્વાદમાણવા માટે તો જરૂર વાંચવા લાયક છે.
આપણા સદીઓ પુરાણા વેદ,પુરાણ તથા ઉપનિષદના ૮૫ થી ૯૦ ટકાના શ્લોકો અનુષ્ટુપ છંદમાં રચાયેલા છે.જરા ગીતાના બીજા અધ્યાયના ૨૩મા,૪૭મા અને ૬૯મા પ્રચલિત શ્લોકોને યાદ કરો
(૨૩)”નૈનં છિન્દન્તિ શસ્ત્રાણિ નૈનં દહતિ પાવકઃ
ન ચૈનં ક્લેદયન્ત્યાપો ન શોષયતિ મારુતઃ”
(૪૭)”કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન
મા કર્મફલહેતુર્ભૂર્મા તે સઙ્ગોસ્ત્વકર્મણિ”
(૬૯)”યા નિશા સર્વભૂતાનાં તસ્યાં જાગર્તિ સંયમી
યસ્યાં જાગર્તિ ભૂતાનિ સા નિશા પશ્યતો મુનેઃ
આ બધી રચનાઓ અનુષ્ટુપ છંદ છે.એવા જ એક પ્રચલિત છંદ યાદ કરો શિવ મહિમ્ન સ્તોત્રનો ૩૨મો શ્લોક
“અસિતગિરિસમં સ્યાત્કજ્જલં સિંધુપાત્રે
સુરતરુવરશાખા લેખની પત્રમુર્વી
લિખતિ યદિ ગૃહીત્વા શારદા સર્વકાલં
તદપિ તવ ગુણાનામીશ પારં ન યાતિ” આ માલિની છંદ રચના છે.
કવિશ્રી કલાપિની એક રચનાની બે લીટીઓ
“રે પંખીડા!સુખથી ચણજો ગીત વા કાંઇ ગાજો
શાને આવાં,મુજથી ડરીને ખેલ છોડી ઉડો છૉ?” આ મંદાક્રાન્તા છંદ રચના છે.
કવિશ્રી નર્મદાશંકરની એક રચનાની ચાર લીટીઓ
“ભુરો ભાસ્યો ઝાંખો દૂરથી ધુમસે પહાડ સરખો
નદી વચ્ચે ઉભો નિરભયપણે એક સરખો
દીસ્યો હાર્યો જોધ્ધો,હરિતણું હ્રદે ધ્યાન ધરતો
સવારે એકાંતે કબીરવડ એ શોક હરતો” આ શિખરિણી છંદ રચના છે
તેમની જ એક પ્રખ્યાત રચનાની બે લીટીઓ
“સહુ ચાલો જીતવા જંગ,બ્યૂગલો વાગે,
યા હોમ કરીને પડો ,ફતેહ છે આગે.” આ લાવણી છંદની રચના છે.
કવિશ્રી નરસિંહ મહેતાની કેટલીક રચનાઓ
(૧)”જે ગમે જગતગુરુ દેવ જગદીશને,તે તણો ખરખરો ફોક કરવો
આપણો ચિંતવ્યો અર્થ કાંઇ નવ સરે,ઉગરે એક ઉદ્વેગ ધરવો”
(૨)”રાત રહે જ્યાહરે પાછલી ખટઘડી સાધુ પુરૂષને સુઇ ન રહેવું
નિદ્રાને પરહરી સમરવા શ્રીહરિ,એક તું એક તું એમ કહેવું” આ પ્રભાત છંદ રચનાઓ
છે.(જેના લીધે જ કદાચ પ્રભાતિયા કહેવાતા હશે.)
“પછી શામળીયો બોલીઆ તને સાંભરે રે
હજી ન્હાનાપણાની પેર મ્હને કેમ વીસરે રે” આ સામગ્રી છંદની રચના છે
કવિશ્રી અખાભગતની રચનામાંની ચાર પ્રખ્યાત લીટીઓ
“ત્રિલક કરતાં ત્રેપન વહ્યાં,જપમાળાનાં નાકાં ગયાં
તીરથ ફરી ફરી થાક્યા ચર્ણ,તોય ન પોતા હરિને શર્ણ
એક મૂરખને એવી ટેવ,પત્થર એડલા પૂજે દેવ
પાણીને દેખી કરે સ્નાન,તુલશી દેખી તોડે પાન” આ અખાભગતના છપ્પા છે.
કવિશ્રી શામળદાસની એક રચના રાવણ અને અંગદ વચ્ચે થયેલ સંવાદની ચાર લીટીઓ
“ત્ર્યંબક જ્યાં તોડિયો માનતજમોડિયો,છોડિયો ત્યાંથનેધર્મ ધાર્યો
દુશ્મન જે દાખમાં રાખીઓ કાંખમાં,ખલક એક પાંખમાં હાડ હાર્યો
કોટિ રાક્ષસ હણ્યા ભય તેના નવ ગણ્યા,વેદભણીઆહવેતારો વારો
મારવો રંકને લુંટવી લંકને,પાપ ઓસરે રામ મ્હારો.” આ ઝુલણા છંદની રચના છે.
બીજી રચના રાવણે અંગદને આપેલ જવાબની
“રાંક જાત તે રત્ન શું ઓળખે,આખર ચૈતન્ય ચાકરનો;
ગરીબતણે ઘેર પેટ ભરે તે,ઠાઠ શું જાણે ઠાકરનો.
મેરૂતણો મહિમા નવ દીઠો,કરે વખાણ તે કાંકરનો;
ખાખરની ખીલોડી અંગદ,સ્વાદ શું જાણે સાકરનો” આ સવૈયો છંદની રચના છે
કવિશ્રી બાળાશંકર ઉલ્લાસરામની એક પ્રખ્યાત રચનાની બે લીટીઓ
“ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સહેજે,
ગણ્યું જે પ્યારૂં પ્યારાએ અતિ પ્યારૂં ગણી લેજે. આ ગઝલ છંદની રચના છે.
અને છેલ્લે સંતકવિ તુલસીદાસની બે લીટીઓ
“રઘુકુલ રીત સદા ચલી આઈ
પ્રાણ જાય અરૂ બચન ન જાઇ” આ ચોપાઇ છંદ રચના છે.
ઉપર આપેલ ઉદાહરણો મારી પાસે એક અતિજર્જરિત સાહિત્ય રત્ન નામનું પુસ્તક છે તેના આધારે આપેલ છે.જેની ૧૨મી આવૃતિ ૧૯૨૯માં ઇશ્વરલાલ પ્રાણલાલ ખાનસાહેબ, બી.એ.(હેડમાસ્તર,સાર્વજનિક હાઇસ્કૂલ સુરત દ્વારા ધી ડાયમંડ જ્યુબિલિ પ્રિન્ટીગ પ્રેસમાં પારીખ દેવીદાસ છગનલાલે છાપી પ્રકાશિત કરેલ છે.ત્યારે તેની કિંમત રૂ.૧-૮-૦ હતી.(એટલે રૂ.૧.૫૦પૈસા) મને કોઇ છંદના બંધારણ વિષે ન પુછતાં કારણ કે,તેમાં એની છણાવટ કરવામાં આવેલ નથી અને હું કોઇ મોટો સાહિત્યકાર નથી જે તમને મારી રીતે સમજાવી શકું.
-અસ્તુ
Filed under: General | 9 Comments »