“બદલો”
ત્રણ મહિના કુલુ મનાલી ને સિમલા ફરીને પ્રબોધ અને પ્રવિણા પાછા કચ્છ આવી ગયા. ફરવા ગયા ત્યારે સમેટેલું ઘર સાફ સુફી કરીને ગોઠવતા કેડ ભાંગી ગઇ.પ્રવિણાએ કહ્યું તે મુજબ હોટલમાંથી ખાવાનું મંગાવી જમીને બંને હાશ કરી સુતા.પ્રવિણાની તો પહેલેથી ટેવ હતી તે મુજબ તેની આંખ સવારના છ વાગતા ખુલી ગઇ પણ પ્રબોધની આંખ ખુલી ત્યારે સામેની દિવાલ પર ટિંગાતી ઘડિયાલમાં નવ વાગી ગયા હતા,પ્રવિણાએ બપોરની રસોઇ માટે ભીડાં સમારતા પુછ્યું “ઊંઘ ઉડી…?”
“હા ને ઘણું જ મોડું થઇ ગયું…”કહી પ્રબોધ બાથરૂમમાં ગયો અને બહાર આવ્યો ત્યારે પ્રવિણાએ ગેસ પર મુકેલી ચ્હા ગાળીને પ્રબોધ તરફ કપ સરકાવ્યો એ પી ને આંગણામાં નજર કરતા તેણે પુછ્યું
“હજી છાપું નથી આવ્યું….?”
“સોફા પાસે મુક્યું છે…”કહી પ્રવિણા રસોડામાં ગઇ
છાપાના પાના ફેરવતા એની નજર મરણનોંધમાં સૌથી ઉપર રઘુવીર યાદવના અવસાનના સમાચાર પર પડી તેમની પ્રાર્થનાસભા રોટરી કલ્બના હોલમાં આજે સાંજે પાંચ વાગે છે એ વાંચતા પ્રબોધ હેબતાઇ ગયો અને તેના મ્હોંમાંથી એક હળવી ચીસ નીકળી ગઇ
“હાય રામ આ શું થઇ ગયું…?”
“શં થયું પ્રબોધ…?”કરતીક પ્રવિણા રસોડામાંથી બહાર આવી પ્રબોધના હાથમાંથી છાપું લઇ જોવા લાગી અને રઘુવીર યાદવના અવસાનના સમાચાર વાંચી એ પણ હેબતાઇ ગઇ.
પહેલી વખત ઉગતા સાહિત્યકાર પ્રોત્સાહક સંસ્થાની વાર્તા હરિફાઇમાં પ્રબોધની વાર્તાને ત્રીજું ઇનામ મળેલું.કાર્યક્રમ પુરો થતા ખાસ પ્રબોધને પોતાની પાસે બોલાવીને રઘુવીર યાદવે કહેલું
“ભાઇ પ્રબોધ તારી વાર્તાનો વિષય સારો છે પણ વાર્તાની રજુઆતમાં તું થાપ ખાઇ ગયો છે.એમ કર બે
દિવસ પછી મારા ઘેર આવ આપણે એ બાબત ચર્ચા કરીશું”
ત્યાર પછી પ્રબોધ જે વાર્તા લખે તે રઘુવીર યાદવને વાંચવા આપતો અને તેઓ તેમાં સુધારા વધારા કરી ફરી લખાવતા એ લાગણીશીલ વહેવારથી પ્રબોધ એક સારો વાર્તાકાર થયો.આમ રઘુવીર યાદવ તેના માટે ગુરૂ તુલ્ય હતા.પ્રબોધની આંખમાં પાણી આવી ગયા “શું થયું હશે ઓચિંતુ…?” આ સવાલ બંનેના મગજ માં ઘુમરાયા કરતો હતો.બે-ત્રણને ફોન કરી જાણવાની કોશીશ કરી પણ સંતોષ કારક જવાબ ક્યાંયથી ન મળ્યો. સાંજે પ્રાર્થના સભામાં જઇશું ત્યારે તો ખબર પડશે જ એમ મન મનાવી બંને પોતાના કામમાં પરોવાયા પ્રબોધ કોમ્પ્યુટર પર વાર્તા લખતો હતો અને પ્રવિણા ઘરકામમાં લાગી.
સાંજે બંને રોટરી કલ્બના હોલમાં દાખલ થયા.સામે જ રઘુવીર યાદવનાફોટાને ફૂલની માલા પહેરાવી મુકેલ હતો અને પાસે દિવો અગરબત્તી પ્રગટેલા મુક્યા હતા.રઘુવીર યાદવનું કોઇ સગુ સબંધી તો ન હતું.ગીતાનો પંદરમો બોલવામાં આવ્યો પછી રોટરી કલ્બના પ્રમુખ અજીતસિંહ સોઢાએ પ્રોફેસર રઘુવીર યાદવની જીવન ઝરમર રજુ કરી અને તેમના પાંચ નવલિકા સંગ્રહ અને ત્રણ કાવ્ય સંગ્રહ આપી તેમણે જે સાહિત્ય સેવા કરી છે તે અનેરી અને અનોખી છે.તેમના અચાનક અવસાનથી સાહિત્ય જગતને હંમેશા તેમની ખોટ રહેશે એવી બધી વાતો રજુ કરી.ત્યાર બાદ બીજા લોકોએ ઊભા થઇ તેમના આત્માને ઇશ્વર શાંતિ આપે એવા પ્રવચન કર્યા.પ્રબોધને પોતે એક અઝીઝ અને ગુરૂ તુલ્ય સ્વજન ખોયાને અફસોસ વ્યકત કરતા લાગણીવશ ડૂમો ભરાઇ આવતા જાજુ બોલી ન શકયો અને હાથ જોડી ક્ષમા પ્રાર્થના કરી.સભા પુરી થતા પ્રબોધ બહાર આવ્યો તો તેને ઉમેશ મળ્યો તેને પુછ્યું
“આ રઘુવીર સાહેબને અચાનક શું થયું હતું…?”
“અરે…!!એ બનાવ કોઇ દુઃસ્વપ્ન હોય તેમ બની ગયો,તે કોઇ ચિત્રપટની પટી જેમ મારી નજર સામે તરે છે”
“થયું શું હતું…?”
“ગયા મહિને ભીમ અગ્યારસના સાહેબને ઠંડાઇની પ્રસાદી છે કહી બે ગ્લાસ ભાંગ વિવડાવી દીધી અને પછી ખવડાવ્યા પેંડા એટલે ભાંગ બરોબર ચડી ગઇ.ભાંગના નશામાં ડોલતા ડોલતા સાહેબ ઘેર જતા હતા.હું તેમની સાથે જ હતો.તેમની શેરીના ખુણે એઠવાડ ખાતી ગાયને કાગડાએ ચાંચ મારી અને ગાયે માથું ધુણાવ્યું એટલે એઠવાડ લીપેલ ગાયના મ્હોં પરથી એઠવાડના છાંટા સાહેબના નવા પહેરણ ઉપર ઉડયા. મરતા ને મર ન કહેનાર સાહેબના મગજમાં કોણ જાણે કેવી રાઇ ભરાણી એટલે દોડતા ઘેર ગયા અને ઘરમાંથી પરોણો લાવી ગાયને સટાસટ મારતા ગાય પાછળ દોડયા.તે વચ્ચે ઠેસ લાગતા એક ઓટલા પર માથું અફળાયું અને લોહીલુહાણ થઇ ગયા નજરે જોનાર અને મેં તેને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડ્યા.પાટા પીંડી થઇ પણ ત્યારથી સાહેબના મગજમાં ગાંડપણ ઘર કરી ગયું.પછી તો પરોણો સાથે જ ફેરવતા હતા. જ્યાં ગાય દેખાય એટલે બસ સટાસટ ફટકારતા ગાય પાછળ દોડે.
“ઓહો…”
“બીજી કોઇ ગાય હોય તો ચાર પરોણા ફટકારીને જવા દે પણ એક રાતી ગાય સાથે કોણ જાણે કેવો આડવેર હતો એને તો પરોણા મારતા મારતા છેક ગામ બહાર મુંકી આવે”
“ઇ તો સમજાઇ ગયું પણ ગુજરી કેમ ગયા શું થયું હતું…?”
“બે દિવસ પહેલા સાહેબ પેલી રાતી ગાય પાછળ દોડતા હતા ત્યારે પાણી ભરી આવતી એક પનિહારી સાથે ભટકાણા,બાઇના માથા પરનો હાંડો સાહેબના માથા પર પડ્યો ને અડબડિયું ખાઇ એવી કઢંગી રીતે પડયા કે ત્યાં જ બે ડચકા ખાઇ ગુજરી ગયા,આ જોઇ બાઇ તો એવી હેબતાઇ ગઇ હતી કે એને માંડ કળ વળી”
“પણ સાહેબને ભાંગ પિવડાવી કોણે હતી,,?”
“છેલશંકરે…જો ઓલ્યો જાય..”બાઇક પર જતા છેલશંકર સામે આંગળી ચીંધી ઉમેશે કહ્યું
“આ છેલશંકર પહેલેથી જ અવળચંડો અને અડવિતરો છે”
આવી વાત ચાલતી હતી ત્યાં બે કુતરા લડયા અને એક માતેલા કાળો આખલો અચાનક ભુંરાટો થ્ઇને દોડ્યો અને રસ્તામાં હે…હે…કરતા માણસો રસ્તાની એક બાજુ થઇ ગયા.
“આ રખડતા જાનવરોના ત્રાસમાંથી ક્યારે છુટકારો થશે ભગવાન જાણે નગરપાલિકા આ બાબત કંઇ કરતી પણ નથી”ઉમેશે કહ્યું
બીજા દિવસે છેલશંકરને કોઇ આખલાએ શિંગડામાં ભેરવીને ઉછાળ્યો છે એવા સમાચાર મળ્યા. નજરે જોનારનું કહેવું છે કે છેલશંકર બાઇક પર આવતો હતો ત્યારે એક ભુંરાટો કાળો આખલો તેની પાછળ દોડતો આવતો હતો એણે છેલશંકરની બાઇકને માથું માર્યું તો બાઇક એક બાજુ અને છેલશંકર ઉછળીને બીજી બાજુ પડ્યો.વાત ત્યાં જ પુરી ન થઇ પેલા કાળા આખલાએ છેલશંકરને શિંગડામાં ઉપાડીને દોડ્યો અને માથું ધુણાવી બે ચક્કર મારી છેલશંકરને ફંગોળ્યો તે એવી કઢંગી રીતે પડ્યો કે, તેના બંને હાથના અને બંને પગના હાડકા ભંગી ગયા.આજે છેલશંકર લાંચાર અને પથારી વસ છે.પથારીમાં પડયા રહી પોતાના કરેલ કૂકર્મ યાદ કરી દિવસ રાત રડતા મોત માંગે છે પણ એ આવતી નથી (સંપુર્ણ)
૨૬-૧૦-૨૦૧૫
Filed under: Stories |
Leave a Reply